પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતાં મુક્તિકર્મ એટલે શ્રાદ્ધ, જાણો તેનો મહિમા
ઘણા લોકોને હજી સુધી શ્રાદ્ધ અને તર્પણ એટલે શું એ વિશે ખબર નહિ હોય. તો આજે અમે જણાવીશું શ્રાદ્ધ નો સાચો અર્થ. પિતૃઓ માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતાં મુક્તિકર્મને શ્રાદ્ધ કહેવામાં આવે છે તથા પિતૃઓને તૃપ્ત કરવાની ક્રિયા અને દેવતાઓ, ઋષિઓને તલમિશ્રિત જળ અર્પિત કરવામાં આવતી ક્રિયાને તર્પણ કહેવામાં આવે છે. આ મહિનો શ્રાદ્ધનો મહિનો ચાલી રહ્યો છે. મોટાભાગે આપણાં ઘરમાં આપણાં પિતૃઓનું શ્રાદ્ધ હોય ત્યારે તેમને ભાવતું ભોજન અને તેની સાથે દૂધપાક, પૂરી બનાવવામાં આવે છે. આપણે ભોજન બનાવીને સૌથી પહેલાં પિતૃઓને અર્પણ કરીએ છીએ.
image source
સામાન્ય રીતે આપણા વડવાઓ જે તિથિમાં અવસાન પામ્યા હોય તે તિથિમાં આપણે આ માસમાં તેમનું શ્રાદ્ધ કરીએ છીએ. આ જ રીતે એક શ્રાદ્ધ બાળાભોળાનું આવે છે, જેમાં બાળકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે તો એક શ્રાદ્ધ સર્વપિતૃ અમાસનું આવે છે, તેમાં આપણે એવા પિતૃઓનું શ્રાદ્ધ કરીએ છીએ જે આપણી અગાઉની ઘણી પેઢીના હોય. પુરાણોમાં આલેખાયેલું છે તે પ્રમાણે જ્યારે પણ કોઇ મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે આત્મા શરીરનો ત્યાગ કરીને પોતાની યાત્રાનો પ્રારંભ કરે છે.
આ યાત્રા દરમિયાન આત્માને ત્રણ માર્ગ મળે છે, આત્માને કયા માર્ગે જવું જોઇએ તે તેણે ધરતી ઉપર જીવિત હોય ત્યારે કેવાં કર્મો કર્યાં છે તેના ઉપર આધાર રાખે છે. આ ત્રણેય માર્ગો પૈકી અર્ચી માર્ગ, ધૂમ માર્ગ અને ઉત્પત્તિ વિનાશ માર્ગ એમ ત્રણ પ્રકાર હોય છે. જ્યારે વ્યક્તિ પોતાનું શરીર છોડીને જાય ત્યારે તેની પાછળ સમગ્ર વિધિ કરવી જરૂરી છે. તેના આત્માને શાંતિ થાય તે માટે તમામ ક્રિયાકર્મ કરવાં જરૂરી હોય છે, કારણ કે ક્રિયાકર્મ એ આત્માને આત્મિક બળ આપે છે, આ બળથી આત્મા સંતુષ્ટ બને છે. વ્યક્તિ ગુજરી જાય ત્યારબાદ તેને ત્રણ વર્ષે શ્રાદ્ધમાં ભેળવવામાં આવે છે. શ્રાદ્ધમાં ભેળવ્યા બાદ દર વર્ષે તેમનું શ્રાદ્ધ કરવામાં આવે છે. શ્રાદ્ધ વખતે કાગડાઓને પિતૃ માનીને ભોજન ધરાવવામાં આવે છે.
image source
આ બધાં શ્રાદ્ધ કરવા પાછળનો એક જ હેતુ છે કે દેવતાઓનું, ઋષિઓનું અને પિતૃઓનું આપણા પર જે ઋણ છે, તેનું કૃતજ્ઞાતાપૂર્વક સ્મરણ કરીને તેમને તર્પણ કરવું. તેમને તૃપ્ત કરવા એ આપણી નૈતિક ફરજ છે. આટલું જ નહીં શ્રાદ્ધના દિવસો એટલે સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, વાયુ, વરુણ અગ્નિ વગેરે દેવતાઓએ આપણા ઉપર કરેલા અગણિત ઉપકારોનું કૃતજ્ઞાતાપૂર્વક સ્મરણ કરી તેમની પૂજાવિધિ કરી તેમને તૃપ્ત કરવાના દિવસો.
શ્રાદ્ધ વખતે બ્રાહ્મણ, ભાણેજ, મામા, ગુરુ, તેમજ પૌત્રને ભોજન કરાવવું. આમ કરવાથી પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે. જ્યારે પણ બ્રાહ્મણ, ભાણેજ, મામા કે શ્રાદ્ધ વખતે બોલાવેલી કોઇપણ વ્યક્તિને ભોજન પીરસો ત્યારે હંમેશાં બે હાથે જ ભોજનની થાળી લઇને આવવી જોઇએ, કારણ કે એક હાથે થાળી લાવવાથી ભોજનનો અમુક અંશ રાક્ષસ આરોગી લે છે તેવું શાસ્ત્રોમાં કહેવાયું છે, તેથી હંમેશાં આદરથી બંને હાથે જ ભોજન લાવવું જોઇએ.